1 જૂને ICCની બેઠક: ટી 20 વર્લ્ડ કપ, ટેક્સ છૂટ સહિતના મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

1 જૂને ICCની બેઠક: ટી 20 વર્લ્ડ કપ, ટેક્સ છૂટ સહિતના મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

  • Share this:
    નવી દિલ્લી: આઈસીસી (ICC) બોર્ડની બેઠક આવતી કાલે દુબઈમાં થવાની છે. બેઠકમાં ભારતમાં આયોજીત થનારા ટી-20 વર્લ્ડ કપને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી શકે છે. 29 મેએ બીસીસીઆઇએ એક વિશેષ બેઠક કરી આઈસીસી પાસે વધુ સમય માગવા અંગે વાત કરી હતી. કોરોનાને કારણે 4 મેના દિવસે આઇપીએલ 2021ની 29 મેચો રમ્યા બાદ ટૂર્નામેન્ટને સ્થગિત કરી દેવામાં આવી હતી. બાકીની મેચો હવે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઈમાં કરવામાં આવી શકે છે. બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું હતું કે યુએઈને વર્લ્ડ કપનું આયોજન કરવા માટે એક વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે.

    ખલીજ ટાઇમ્સના જણાવ્યા અનુસાર, બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લા આઈપીએલની તૈયારીઓ માટે યુએઈ પહોંચ્યા છે. રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, બોર્ડ પ્રમુખ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ અને આઈપીએલ કમિશનર બ્રિજેશ પટેલ ટૂંક સમયમાં યુએઈ આવવાના છે. ગાંગુલી અને શાહ આઈસીસીની બેઠકમાં ભાગ લે તેવી સંભાવના છે. યુએઈમાં આઈપીએલ ઉપરાંત બોર્ડના અધિકારીઓ પણ યુએઈ બોર્ડ સાથે ટી-20 વર્લ્ડ કપના હોસ્ટિંગ અંગે ચર્ચા કરી શકે છે.



    ટી 20 વર્લ્ડ કપનું આયોજન ક્યાં કરવામાં આવશે?

    બીસીસીઆઈ ભારતમાં ટી -20 વર્લ્ડ કપનું આયોજન કરવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. પરંતુ હજી પણ દેશમાં દરરોજ 1.50 થી વધુ કોરોના કેસ આવી રહ્યા છે. ત્રીજી લહેરની પણ સંભાવના સપ્ટેમ્બર અને નવેમ્બર વચ્ચે વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, બીસીસીઆઈ આઈસીસીને વધુ સમય આપવા માટે કેવી રીતે રાજી કરે છે, તે જોવું રહ્યું. બોર્ડ યુએઈને અન્ય વિકલ્પ તરીકે પણ જોઈ રહ્યો છે. આવી સ્થિતિમાં બંને યજમાન દેશો વિશે વાત થઈ શકે છે.

    હોસ્ટિંગ રાઇટ્સ કોણ રાખશે?

    જો કોઈ કારણોસર ટી 20 વર્લ્ડ કપ ભારતને બદલે યુએઈમાં યોજવામાં આવે છે, તો પછી એક સવાલ છે કે, ટૂર્નામેન્ટનું આયોજક કોણ હશે. જો હોસ્ટિંગ ભારત સાથે રહે છે, તો યુએઈને આયોજક તરીકે પણ મોટી રકમ મળશે. ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, યજમાન દેશને દરેક મેચ માટે આશરે 2 કરોડ રૂપિયા મળશે. કુલ 45 મેચ છે. આવી સ્થિતિમાં યુએઈ બોર્ડને 90 કરોડ રૂપિયા મળશે.

    કર મુક્તિ અંગે કોઈ વાત થઈ ન હતી

    વર્લ્ડ કપ દરમિયાન કર મુક્તિ અંગે બીસીસીઆઈ અને આઈસીસી વચ્ચે વિવાદ વર્ષ 2016થી ચાલી રહ્યો છે. 2016ના ટી -20 વર્લ્ડ કપ દરમિયાન ટેક્સમાં છૂટ ન મળતાં આઇસીસીએ બીસીસીઆઈ પાસેથી આશરે 200 કરોડ રૂપિયા રોકી દીધા હતા. જોકે, બીસીસીઆઈએ આ અંગે આઇસીસી વિવાદ નિરાકરણ સમિતિને ફરિયાદ કરી છે. જોકે, આ અંગે હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. જો વર્લ્ડ કપ ભારતમાં યોજાય તો ટેક્સ છૂટનો વિવાદ થઈ શકે છે. હજુ સુધી બોર્ડ અને સરકાર વચ્ચે કોઈ સમજૂતી થઈ નથી. જો કેન્દ્ર સરકાર ટેક્સમાં 10% છૂટ આપે છે, તો બોર્ડને લગભગ 226 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. તે જ સમયે, કોઈ છૂટ નહીં આપવાની સ્થિતિમાં, બોર્ડે 906 કરોડ રૂપિયા આપવાના રહેશે. જોકે બોર્ડ ભૂતકાળમાં ટેક્સ છૂટ વિના આયોજન કરવાની વાત કરી રહ્યું છે.

    પાકિસ્તાનની ટીમ ભારત આવી શકશે કે નહીં?

    જો વર્લ્ડ કપ ભારતમાં યોજાય છે, તો પાકિસ્તાનની ટીમના ભારત આવવાના મામલે ચર્ચા થશે. બંને દેશોએ 2012-13થી દ્વિપક્ષીય શ્રેણી રમી નથી. જોકે, આઈસીસી ટૂર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાનના ખેલાડીઓ ભારત સરકાર પાસેથી છૂટ મેળવી શકે છે. 2016ના ટી 20 વર્લ્ડ કપ દરમિયાન પાક ખેલાડીઓ ભારત આવ્યા હતા. જોકે, મુંબઇમાં મેચ રમવા વિશે સવાલો ઉભા થયા છે. આ વખતે બોર્ડે ટી -20 વર્લ્ડ કપ માટે 9 સ્થળો દિલ્હી, મુંબઇ, કોલકાતા, બેંગલુરુ, ચેન્નઈ, લખનઉ, ધર્મશાળા, હૈદરાબાદ અને અમદાવાદની પસંદગી કરી છે.undefined
    Published by:kuldipsinh barot
    First published:May 31, 2021, 4:34 pm